જાણીતા કવિ ખલિલ ધનતેજવીનું વડોદરાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન
ખલીલ ધનતેજવી (મૂળ નામ: ખલીલ ઇસ્માઇલ મકરાણી) ગુજરાતી અને ઉર્દૂ ગઝલકાર છે.તેમનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં ૧૨ ડિસેમ્બર ૧૯૩૫ના રોજ થયો હતો.તેમણે ૪ ધોરણ સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું.
• ગઝલસંગ્રહ
સાદગી
સારાંશ (૨૦૦૮)
સરોવર (૨૦૧૮)
• નવલકથા
ડો. રેખા (૧૯૭૪)
તરસ્યાં એકાંત (૧૯૮૦)
મીણની આંગળીએ સૂરજ ઊગ્યો (૧૯૮૪)
લીલા પાંદડે પાનખર (૧૯૮૬)
સન્નાટાની ચીસ (૧૯૮૭)
સાવ અધૂરા લોક (૧૯૯૧)
લીલોછમ તડકો (૧૯૯૪)
• પુરસ્કાર
તેમને ૨૦૦૪માં કલાપી પુરસ્કાર અને ૨૦૧૩માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ૨૦૧૯માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો
પગ નથી ધરતી ઉપરને આભ માથા પર નથી,
બેઉમાંથી કોઈનો પણ કબજો મારા પર નથી.
પગ પસારું છું હંમેશા હું મારી ચાદર મુજબ,
બોજ કંઈ મારી હયાતીનો આ દુનિયા પર નથી.
મર્દ છું, અશ્રુ વગર પણ રડતાં ફાવે છે મને,
જોઈ લો એકે ઉઝરડો મારા ચ્હેરા પર નથી.
આત્માને પણ સતત ઝળહળતો રાખું છું સદા,
રોશની માટે બધો આધાર દીવા પર નથી.
કેટલી એકલતા મારી ચોતરફ વ્યાપી ગઈ,
એક પણ ચકલીનો માળો મારા ફોટા પર નથી.
સો ટકા, ઘર બદલીને બીજે કશે ચાલ્યા ગયા,
ફૂલવાળો એમના ફળિયાના નાકા પર નથી.
મારી મંઝિલ તો હંમેશા હોય મારા પગ તળે,
હું ખલીલ અત્યારે અંતરિયાળ રસ્તા પર નથી.
ખલીલ ધનતેજવી : સ્મરણયાત્રા
ખલીલ શબ્દનો અર્થ 'સાચો દોસ્ત' થાય એની ઘણા ગુજરાતીઓને ખબર નહીં હોય પણ એનો સહેજે વાંધો નથી, કેમ કે સહુએ એ તથ્ય જાણ્યું ભલે ન હોય, ઠાંસોઠાંસ અનુભવ્યું છે.
આવો એમના સમૃદ્ધ જીવનની એક ઝલક મેળવીએ..
આજથી 70 વરસ પહેલાની એક સાંજે દસબાર વર્ષની ઉમરે પહેલી ગઝલ લખી બાળક ખલીલે એના દાદાને એ ગઝલ સંભળાવી તો દાદાએ પૂછ્યું, ક્યાંથી ઉતારી લાવ્યો? અને ખલીલ સાહેબે જવાબ આપ્યો, ઉતારી નથી લાવ્યો, ઉપરથી ઉતરી છે.
જનાબ ખલીલ ધનતેજવી, મુશાયરાની રાંક દુનિયાનું ધન, ગઝલની અંધારી ગલીઓનું તેજ. ગુજરાતી ગઝલને ધનતેજ ગામની આ અમૂલ્ય ભેટ,
એ જ ગામની સીમમાં અને સીમામાં રહેલી એમની શરમાળ ગઝલ 1962માં પહેલી વાર બોલતી થઈને મંચ પર આવી એ ઘટનાને ય 50થી વધુ વરસ થયા. અને આ પાંચ દાયકામાં શું થયું?
સ્વીકારી લઈએ હવે વાત આ દલીલ વગર
તરી શકે ન કદી નાવડી સલિલ વગર
પચાસ વર્ષનો ઈતિહાસ એનો સાક્ષી છે
મુશાયરો કદી જામે નહીં ખલીલ વગર
આમ તો ખલીલ સાહેબે ઉર્દુમાં ય ગઝલ લખી, દેશભરમાં મુશાયરાઓમાં ગયા.
અબ મૈં રાશન કી કતારોમેં નઝર આતા હૂં
અપને ખેતો સે બિછડને કી સજા પાતા હૂં
એમની આ ગઝલ જગજીતસિંહજીએ ગાઈ. ઉર્દુમાં એમનો ગમે તેટલો ઊંચો મકામ હોય પણ અમારે મન ખલીલ ધનતેજવી એટલે ગુજરાતી ગઝલના બાદશાહ.
ગામડાનો આ જીવ, ગળથૂથીમાં કોઈ સ્તોત્ર શીખ્યા વગર ગઝલનું ગોત્ર એમને ખોળતું આવ્યું. એમના ઘરમાં અભરાઈ પર ડિક્શનરીઓના થપ્પા નહોતા પણ ખેતર ખોરડાની પરિભાષા એમને હાથવગી. જરૂર પડ્યે ક્પાસના તાંતણા જેવી મુલાયમ અને જરૂર પડ્યે દાતરડા જેવી ધારદાર. જીવનભર કોલેજનું મોં જોયું નહીં, પણ ખેતરની વિદ્યાપીઠમાં સ્નાતક થયા, ખેડુપુત્રની ખુદ્દારી અને લાચારી જોઈ જોઈને..
મારી જેમ ગઝલ વિશેના કોઈ થિસીસ વાંચવાની ભૂલ કે લખવાની ગુસ્તાખી એમણે કરી નહીં, પણ પાટી પર ગઝલ બરાબર ઘૂંટી. એટલે જ ગુજરાતી ગઝલમાં એકડો તો એમનો જ, બાકી બધા મીંડા. કહો કે, ખાખી જર્જરિત પૂઠાની પથારીમાં સૂતેલી ભાષાને જ્યારે સોળ વરસની છોકરી બનીને આળસ મરડીને ઊભા થવાનું મન થાય છે ત્યારે ખલીલ ધનતેજવીની ગઝલમાં આવતી ઓઢણી ઓઢે છે.
દાદા દાદીએ શીખવ્યા નહોતા છતાં એમની પાસેથી ઝીલી લીધા એ ચોટદાર મુહાવરાઓ અને કહેવતથી એમની ગઝલ મંડિત છે. સીધીસાદી છતાં સોંસરી તળપદી ગુજરાતી ભાષા એમની ગઝલમાં એના શ્રેષ્ઠતમ સ્વરૂપમાં પ્રગટ થઈ છે.
માતૃભાષાની માટીની સુવાસ ખલીલસાહેબના ગઝલોના ઉપવનની આગવી ખૂબી છે. સોનેટ હાઈકૂની જેમ આ ગઝલનો પ્રકાર દોઢસો વર્ષ પહેલા પરદેશમાંથી ગુજરાતમાં આવ્યો. એને બહારથી માત્ર ગુજરાતી વાઘાં પહેરાવવાનું નહીં પરંતુ એનો રૂહ ગુજરાતી બનાવવાનું કામ છેલ્લા 50 વરસમાં જો કોઈ એક શાયરે સૌથી વિશેષ કર્યું હોય, તો શંકા વગર એ શાયરનું નામ છે ખલીલ ધનતેજવી.
અલંકારિક નહીં છતાં ચોટદાર, સાહિત્યિક નહીં છતાં સમૃદ્ધ, બાનીના માલિક ખલીલ સાહેબના ગુજરાતી ગઝલમાં પ્રદાનની નોંધ ઓછી લેવાઈ છે.
લોકપ્રિય શાયર, મુશાયરાના કવિ કહીને એમને એક મર્યાદિત ખૂણો અમારા સફેદ ઝભ્ભાધારીઓએ એમને આપી રાખ્યો છે. જો કે 85 વર્ષે પણ પેંટ શર્ટમાં શોભતા આ યુવાનને એની પરવા નહોતી. કેમ કે એમનો મોભો અને મુકામ લોકોના હૃદયમાં રહ્યા.
ખલીલ સાહેબે કોઈ ચિંતકની જેમ ગઝલને ચૂંથી નથી. આત્મા પરમાત્મા કે સ્વની શોધની ભારેખમ વાત કરી નથી.
ખલીલ સાહેબ પોતાની ગઝલોના શેરોમાં એક સામાન્ય જીવનજોધ્ધાની વાત લઈને આવે છે. એમની ગઝલોમાં એક આમ આદમીના સંઘર્ષોને, એક આમ આદમીની દૃષ્ટિએ જ જોવાની એમણે કોશિશ કરી છે, જીવનની કઠિનતા, અન્યાયો, કડવાશ, અને સ્વમાન કે માનવીય ગૌરવની સીધી સાદી વાતને આ શાયરે પોતાની શાનદાર અને જાનદાર માણસની બાનીમાં, અત્યંત લાઘવથી અને ખૂબ સલૂકાઈથી મૂકી આપી છે. ત્યારે ત્યારે શ્રોતાઓએ અનાયાસે અનુભવ્યું છે કે આ તો મારા જ દિલની વાત!
ઉર્દુમાં મૈંને ગઝલ લિખી હૈ એવું કહેવામાં નથી આવતું. મૈને ગઝલ કહી હૈ એમ કહેવાય છે. અર્થાત ગઝલ બોલચાલની ભાષામાં જ લખાય, આ વાતની ખલીલ સાહેબને પૂરી પ્રતીતિ હતી. શીઘ્ર કોમ્યુનિકેશન થાય એમાં જ ગઝલની મઝા છે. વચ્ચે તૂત ચાલ્યું હતું તેમ ટહુકો, મોરપિચ્છ, બિંબ, પ્રતિબિંબ, રણ, પડછાયા, શૂન્યતા અને સંભાવનાની દુર્બોધ, બોદી અને ખોખલી વાતોની પાંગળી પરિષદમાંથી ગઝલને બહાર કાઢીને ખલીલ સાહેબ ગઝલને ચોતરામાં લઈ આવ્યા.
ખલીલ સાહેબના શેરો સાંભળીને ખુરશી પર રીતસર બબ્બે ફૂટ ઉછળતા લોકો મેં જોયા છે. ખલીલ સાહેબ એકવાર રજૂઆત કરીને બેસી જાય પછી લોકોના આગ્રહવશ એમને બીજીવાર રજૂ કરવા પડે એ અપવાદ નહીં, પણ નિયમ હતો.
ખલીલ ધનતેજવીએ કારર્કિર્દીની શરૂઆત કરિયાણાની દુકાને નામું લખવાથી કરી હતી. એટલે બાબરનામા અને અકબરનામાની જેમ ખલીલનામા એ એમનું પહેલું સર્જનાત્મક કાર્ય. પછી એ ‘નુપૂર’ નામના સામાયિકના સંપાદક થયા. એટલે કે જમા-ઉધારના ધંધામાંથી કેવળ ઉધારીના ધંધામાં આવી પડ્યા. જાહેરાત લેવા ગયા તો જાહેરાત ઉઘરાવવાની એમની કળા જોઈ એક શેઠિયાએ એમને મેનેજરની નોકરી આપી. લોકસત્તામાં એક લેખ ન છપાયો એની તપાસ કરવા લોક્સત્તા કાર્યાલયમાં ગયા અને ત્યાં વજ્ર માતરીએ પત્રકારની નોકરી આપી. એમાંથી વળી સિનેમા સમાચારમાં ગયા. ત્રણ દિવસ વડોદરા અને ત્રણ દિવસ મુંબઈ એવી જિંદગી થઈ. નોકરીના પહેલા જ દિવસે અશોકકુમાર, શત્રુઘ્ન સિંહા અને હેમા માલિનીના ઈંટરવ્યૂ લીધા.
આ અરસામાં અમિતાભે એકવાર ખલીલ સાહેબની બાજુમાં ઊભા રહી ઊંચાઈ સરખાવી કહ્યું હતું, “દેખો મેં આપ સે ઊંચા હૂં.” ખલીલ સાહેબે જવાબ આપ્યો, “આપ મુઝસે ઊંચે નહીં હો, લંબે હો!”
1976માં ખલીલ સાહેબે એમની પોતાની નવલકથા ‘ડોક્ટર રેખા’ પરથી જ પોતે ફિલ્મ બનાવી. ત્યારથી લઈ વીસથી વધુ નવલકથા લખી અને વીસથી વધુ ફિલ્મો બનાવી. અનેક એવોર્ડસ મેળવ્યા. પણ જીવનના આ છેલ્લા 35 વરસોમાં મુશાયરાના સરતાજ તરીકેની ઓળખ, એમની આગળની તમામ સિદ્ધિઓ કરતાં સર્વોપરી સિદ્ધ થઈ.
આ નમ્ર, નિખાલસ, નિં;સ્વાર્થ માનવી અમારા જેવા કંઈ નવોદિતોના માથા પર નહી પણ હાથમાં હાથ રાખીને મહાલ્યા છે. મારા પછીની પેઢીના શાયરો પણ સેલ્ફી લેવા માટે એમના ખભે હાથ મૂકી શકતા. જેમની હાજરીનો કદી ભાર ન લાગે એવા આ વડીલ શાયરની વસમી વિદાય ટાણે સૌ એમના અનુગામી અને એમના અનુગૃહિત શાયરો વતી હું સલામ ભરું છું.
(અમુક સ્રોત એમનું જન્મ વર્ષ 1938 લખે છે પણ એમનો જન્મ 12 ડિસેમ્બર 1935ના દિવસે થયો હતો.)
સર્જક કદી મૃત્યુ પામતો નથી, એ આશ્વાસન આજે તો ઠાલું લાગે પણ સમય જતાં એ જ સત્ય બનીને, ઈતિહાસ બનીને અંકાશે.....
રઈશ મનીઆર
No comments:
Post a Comment
પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...